ભરૂચ LCB એ ઝઘડીયા તાલુકાના ઉમલ્લા ગામની આર.પી એલ ચેક પોસ્ટ પાસે આઇસર ટેમ્પોના ચોરખાનામાં સંતાડેલ વિદેશી દારૂની 3132 નંગ બોટલ મળી કુલ ₹22.89 લાખના મુદ્દામાલ સાથે બે ઇસમોને ઝડપી પાડ્યા હતા.
ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાએ નવરાત્રીનો તહેવાર આવતો હોય જીલ્લામાં પ્રોહિબિશન જુગારની અસમાજિક પ્રવૃતિઓને ડામવા આપેલી સૂચનાને આધારે એલસીબી PI ઉત્સવ બારોટના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ આર.કે.ટોરાણી સહિતનો સ્ટાફ ઉમલ્લા પોલીસ મથકની હદમાં પેટ્રોલિંગમા હતો.
પેટ્રોલિંગ વેળા બાતમી મળી હતી કે, આઇસર ટેમ્પો નંબર-જી.જે.15.એ.વી.6621માં વિદેશી દારૂનો જથ્થો ભરી બે ઇસમો રાજપીપળા તરફથી સુરત બાજુ જનાર છે. જેવી બાતમીના આધારે ટીમો આર.પી.એલ ચેક પોસ્ટ પાસે વોચમાં હતી. ટેમ્પો આવતા પોલીસે તેને અટકાવી ટેમ્પોમાં બનાવવામાં આવેલ ચોર ખાનામાં તપાસ કરતાં તેમાંથી વિદેશી દારૂની 3132 નંગ બોટલ મળી આવી હતી.
પોલીસે 14.82 લાખનો દારૂ અને આઇસર ટેમ્પો મળી 22.89 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને વાપી જી.આઇ.ડી.સી.માં આવેલ ન્યુ હાઉસીંગ બોર્ડમાં રહેતો રાહુલ ભગવાનદાસ મિશ્રા અને અશ્વિન બાબુભાઇ પંચાલને ઝડપી પાડ્યો હતો. જ્યારે સુરતના જિગ્નેશ પટેલ તેમજ જીતુ જાદવને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.